Job 11

1ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,

2‘’શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ?
શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?
3શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય?
જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?

4કેમ કે તું ઈશ્વરને કહે છે કે, ‘મારો મત સાફ છે,

હું તમારી નજરમાં નિર્દોષ છું.’
5પણ જો, ઈશ્વર બોલે
અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે;
6તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે!
તેમની પાસે બહુવિધ સમજણ છે.
તે માટે જાણ કે, તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે.

7શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે?

શું તું યોગ્ય રીતે સર્વસશક્તિમાનને સમજી શકે છે?
8તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે?
તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે?
9તેનું માપ પૃથ્વી કરતાં લાંબું,
અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.

10જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે,

અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે?
11કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે;
જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી?
12પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી;
જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.

13પણ જો તું તારું મન સીધું રાખે

અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે;
14તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે,
અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે.

15તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે.

હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ.
16તું તારું દુ:ખ ભૂલી જશે;
અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.
17તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે.
જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે.

18આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે;

તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે.
19વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ;
હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે.

પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે;

તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે;
મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.‘’
20

Copyright information for GujULB